Wednesday, March 25, 2020

કદાચ હડકવાની રસી ની જેમ જ કોરોના ની રસી શોધાઈ જાય તો કેટલું સારું

       તમે વૈજ્ઞાનિક લૂઈ પાશ્ચર વિશે જાણો છો? નથી જાણતા. તમે એવું સાંભળ્યું જ હશે કે જો કોઈ વ્યક્તિ ને કુતરુ કે કોઈ હડકાયું પ્રાણી કરડે તો તેને ઇન્જેક્શન મૂકવા પડે છે. હડકવા ની દવા ની શોધ કોણે કરી હતી? હા એ વૈજ્ઞાનિક જેનું નામ લુઇસ પાશ્ચર છે તેમણે સૌપ્રથમ હડકવાની રસીની શોધ કરી હતી અને આ રસીની શોધ કરવા માટે તેમણે ખૂબ જ સંઘર્ષ કર્યો હતો.
          લૂઈ પાશ્ચર ના પિતા ચામડાના કારખાનામાં કામ કરતા હતા. તેઓ વિચારતા હતા કે ,જો હું વધારે ભણ્યો હોત તો આ કરતા વધુ સારું કામ અને સારી જિંદગી જીવતો હોત. ભલે હું વધુ ભણી ના શક્યો પણ મારા દીકરાને હું ભણાવીશ અને તેને સન્માનજનક જિંદગી અપાવીશ. આવું વિચારતા જ હતા ત્યારે તેમને ઘરેથી એક ખુશખબરી મળી કે તેમના ઘરે એક દીકરાનો જન્મ થયો છે અને મનોમન તેમણે નક્કી કરી દીધુ કે તેઓ તેમના દિકરાને ભણાવી ગણાવીને ખૂબ જ સારી નોકરી અપાવશે પરંતુ તેમણે જ્યારે તેમના દીકરાને ભણવા માટે મૂક્યો ત્યારે તેમને ખબર પડી કે તેમનો દીકરો ભણવા માં ખુબ જ નબળો છે. સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ તેને મંદબુદ્ધિ કહીને બોલાવતા હતા.
             એવામાં જ એમના મહોલ્લામાં એક બનાવ બન્યો બાજુના જંગલમાંથી એક હડકાયુ વરુ મહોલ્લાના 8 એક માણસને કરડ્યું જેમાં પાંચ માણસો હડકવાના રોગનો શિકાર બની ગયા અને થોડા જ દિવસોમાં ખૂબ જ પીડા ભોગવી મૃત્યુ પામ્યા. નાનો લૂઈસ તેના પિતાને પૂછતો હતો કે શા માટે આપણે તેઓને બચાવી ન શક્યા! ત્યારે તેના પિતાએ ગુસ્સે થઈને તેને કહ્યું કે શા માટે તું ભણી ગણીને એમને બચાવવા માટેની દવા નથી શોધી શકતો? તને એટલી ચિંતા હોય તો તું ભણી ગણીને આવા વ્યક્તિઓને બચવવા માટેની દવા શોધ. આ વાતની નાના લૂઈ ના મન પર ખૂબ જ મોટી અસર થઇ અને તેને થયું કે ભણવા ગણવા થી લોકોના જીવ બચાવી શકાય છે. તેથી તેણે ભણવામાં મન લગાવવાનું ચાલુ કર્યું અને ભણી ગણીને તે વધુ અભ્યાસ માટે શહેર ગયો. ત્યાં તેમણે બાયોલોજી નો અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું.
              અભ્યાસની સાથે સાથે તેમના પ્રયોગ કરવાનું પણ ચાલુ જ હતુ. તેવામાં તેમના એક મિત્રે તેમને કહ્યું કે, તેની પોલ્ટ્રી ફાર્મમાં મરઘીઓ હેજા જેવા રોગને કારણે મૃત્યુ પામી રહી છે ત્યારે લુઇએ એક મરઘી કે જે આ રોગને કારણે મૃત્યુ પામી હતી તેનુ લોહી લઇ તેમાંથી હેજાના જીવાણુને અલગ કર્યા અને તેને નમક સાથે મિક્સ કરીને નિષ્ક્રિય કરી દીધા. આ રીતે નિષ્ક્રિય કરેલા જંતુઓને તેમણે સ્વસ્થ મરઘીઓ કે જેમને કોઈ પણ પ્રકારનો રોગ ન હતો તેમાં દાખલ કર્યા અને પછી ખૂબ જ સારા પરિણામ જોવા મળ્યા . અન્ય મરઘીઓ ની સરખામણીમાં નિષ્ક્રિય જીવાણુ દાખલ કરેલ મરઘીઓ ખૂબ જ સ્વસ્થ રહેતી હતી . અને તેમને જિંદગીભર કોઈપણ રોગ ન થયો ત્યારબાદ તેમણે જાણ્યું કે દૂધની અંદર રહેલા જીવાણુઓ દૂધને વાસી બનાવવાનું કામ કરે છે . તે તેમણે ગરમ દૂધ કરીને દૂધની અંદર રહેલા જીવાણુને મારી નાખ્યા અને ત્યારબાદ ઠંડું કર્યું તેનાથી દૂધ થોડું જલ્દી વાસી થતું ન હતું. આ રીતે ખાદ્ય પદાર્થોમાં રહેલા જીવાણુઓ શોધવાનું કામ લૂઈએ સૌપ્રથમ કર્યું હતું. 
            લૂઈએ તેની શોધ આગળ વધારી અને વિચાર્યું કે નક્કી છે કે માણસના શરીરમાં પણ આવા કોઈ જીવાણુઓ હોવા જોઈએ કે જે માણસના બીમાર પડવા માટે કારણ હોઈ શકે છે. પછી તેમણે તેમનુ બચપણ નું સપનું હડકવા ની દવા શોધવાનું આ પરથી નક્કી કર્યું. લુઇસ પાશ્ચર તે પછી રાત દિવસ હડકાયેલા કૂતરાને શોધવામાં લાગી પડયા અને પોતાના જીવની પરવા કર્યા વગર તેમને કોઈપણ  હડકાયું કૂતરું મળે તો તેને પકડી લાવતા હતા અને તેના પર પ્રયોગો કરવાનું ચાલુ રાખ્યું. તેમણે હડકાયેલા કૂતરાની અંદરથી હડકવાના વાયરસ નો નમુનો લઈને આ વાયરસને નિષ્ક્રિય કર્યા. નિષ્ક્રિય વાયરસને તેમણે ઇન્જેક્શન વડે સ્વસ્થ કુતરાના શરીરમાં નાખ્યા. ત્યારબાદ તેમણે આ કૂતરાના શરીરમાં સક્રિય હડકવાના વાયરસ પર નાખ્યા અને ખૂબ જ નવાઇની વાત એ હતી કે આ કૂતરાને હડકવા થયો ન હતો અને કૂતરો એકદમ સ્વસ્થ રહ્યો હતો. એ વાત જાણીને લૂઈને ખૂબ જ આનંદ થયો પરંતુ માણસો પર પ્રયોગ કરવાનો હજી બાકી હતો. અને માણસો પર પ્રયોગ સફળ થશે કે કેમ એ ચિંતાની વાત હતી. 
        એટલામાં જ એક સ્ત્રી કે જેના બાળકને હડકાયું કૂતરું કરડ્યું હતું , તેના ઈલાજ માટે લુઇસને તે કાલાવાલા કરી રહી હતી.લૂઈને થયુ કે જો બાળકને તેમણે બનાવેલી રસીનુ ઈન્જેકશન આપવામાં ન આવે તો બાળક થોડા દિવસમાં મૃત્યુ પામશે . તેથી તેમણે જોખમ લેવાનું નક્કી કર્યું અને બાળકને ખૂબ જ નાનો દોઝ ઇન્જેક્શન આપવામાં આવ્યું જેની બાળક ઉપર સારી અસર જોવા મળી અને બાળક ધીમે ધીમે સારું થવા લાગ્યું. ત્યારબાદ તેમણે ડોઝ નું પ્રમાણ વધાર્યું અને બાળક એકદમ સ્વસ્થ થઈ ગયો. બાળક ને તેના જીવનમાં ક્યારેય હડકવા ન થયો અને આ રીતે હડકવાની રસીની શોધ થઈ .
         પહેલાના જમાનામાં હડકવાને કારણે લાખો લોકો મૃત્યુ પામ્યા હતા પરંતુ આ રસી બધા માટે સંજીવની સાબિત થઈ. ત્યારબાદ ઘણા બધા વૈજ્ઞાનિકોએ બીજા અનેક રોગોની રસી ની શોધ આ રીતે કરી અને આજે આપણે જોઈએ છીએ કે ભયંકર રોગોમાં રોગોની રસી ની શોધ ને કારણે આપણે બધા સ્વસ્થ જીવન જીવી શકીએ છે.  ભગવાન કરે કે કોરોનાની રસી ની શોધ પણ લૂઈ ની જેમ કોઈક વૈજ્ઞાનિક કરી દે .લૂઈ રસીની શોધને કારણે પોતાના પારિવારિક જીવન સુખમય રીતે વીતાવી શકયા નહીં, તેમની ત્રણેય દીકરીઓ બ્રેન ટ્યુમર અને ટાઈફોડ જેવા રોગને કારણે મૃત્યુ પામી. તેમજ તેમની પત્ની પણ પતિ કામમાં વ્યસ્ત રહેતા હોવાને કારણે એકાંતમાં માનસિક અવસ્થા ખરાબ કરી બેઠી હતી અને પરંતુ લૂઈએ તેના પરિવાર  કરતા પોતાના સમાજ કલ્યાણના કામને વધુ મહત્વ અને તેને કારણે આજે આપણે સૌ સ્વસ્થ જીવન જીવી શકીએ છે. લુઇસ પાશ્ચરને મારા કોટી કોટી વંદન.

No comments:

Post a Comment