Friday, March 27, 2020

Mrp થી વધુ ભાવ લેવાતા હોય તો ક્યાં ફરિયાદ કરશો?

          સરકારે દરેક ચીજ વસ્તુઓના ભાવ નક્કી કરેલ છે. અને mrp ભાવ મુજબ જ દુકાનદારે ચીજ વસ્તુઓ વેચવા નો આગ્રહ રાખવામાં આવે છે .પરંતુ આમ છતાં કેટલાક લોકો lockdown જેવી સ્થિતિનો ફાયદો ઉઠાવી ચીજ વસ્તુઓની માંગ વધવાને કારણે વધુ કમાવવાની અપેક્ષા રાખે છે .અને ગ્રાહકોને mrp કરતા વધારે કિંમત રાખી છેતરે છે .આ એક ઉઘાડી લૂંટ કહેવાય અને કાળા બજારી કહેવાય, જો તમે પણ આવા અન્યાયનો ભોગ બનતા હોય તો અહીં આપેલ કસ્ટમર કેર નંબર તેમજ વેબસાઈટ ઉપર ઓનલાઇન ફરિયાદ કરી શકો છો. અને કાળા બજારી કરનાર વ્યક્તિઓને દંડ કરાવી શકો છો.

Thursday, March 26, 2020

ભરૂચથી કોરોના શંકાસ્પદ દર્દીઓ અંકલેશ્વર ભાગી આવ્યા.


      હાલ કોરોના એ જ્યારે કહેર વર્તાવ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં એક માઠા સમાચાર આવ્યા છે. ભરૂચના ચાર શંકાસ્પદ કોરોના દર્દીઓ અંકલેશ્વર શહેરમાં ભાગી આવ્યા છે.
તેમની સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.
તેમને corentine રહેવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તેમણે તે આદેશનું પાલન કર્યું નહીં અને ભાગીને અંકલેશ્વર શહેરમાં આવી ગયા હતા. જેથી તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.


        દેશભરમાં કોરોનાના દર્દી ની સંખ્યા આજે ૬૪૯ પહોંચી ગઈ છે. અને ૧૩ જેટલા દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ત્યારે સૌ કોઈને પોતાના ઘરમાં જ રહી lockdown નો પાલન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમ છતાં કેટલીક જગ્યાએ હજી પણ ભીડ ઉમટી રહી છે અને આવા સમયે શંકાસ્પદ દર્દીઓ નું ભાગી જવું ઇન્ફેક્શન ફેલાવવા માટે કારણ બની શકે છે. માટે દરેક જણ સાવધાન રહે, સતર્ક રહે અને બની શકે તેટલું ઓછું ઘરમાંથી બહાર નીકળે એ જ માત્ર ઇન્ફેક્શન રોકવાનો એક ઉપાય છે.

Wednesday, March 25, 2020

કદાચ હડકવાની રસી ની જેમ જ કોરોના ની રસી શોધાઈ જાય તો કેટલું સારું

       તમે વૈજ્ઞાનિક લૂઈ પાશ્ચર વિશે જાણો છો? નથી જાણતા. તમે એવું સાંભળ્યું જ હશે કે જો કોઈ વ્યક્તિ ને કુતરુ કે કોઈ હડકાયું પ્રાણી કરડે તો તેને ઇન્જેક્શન મૂકવા પડે છે. હડકવા ની દવા ની શોધ કોણે કરી હતી? હા એ વૈજ્ઞાનિક જેનું નામ લુઇસ પાશ્ચર છે તેમણે સૌપ્રથમ હડકવાની રસીની શોધ કરી હતી અને આ રસીની શોધ કરવા માટે તેમણે ખૂબ જ સંઘર્ષ કર્યો હતો.
          લૂઈ પાશ્ચર ના પિતા ચામડાના કારખાનામાં કામ કરતા હતા. તેઓ વિચારતા હતા કે ,જો હું વધારે ભણ્યો હોત તો આ કરતા વધુ સારું કામ અને સારી જિંદગી જીવતો હોત. ભલે હું વધુ ભણી ના શક્યો પણ મારા દીકરાને હું ભણાવીશ અને તેને સન્માનજનક જિંદગી અપાવીશ. આવું વિચારતા જ હતા ત્યારે તેમને ઘરેથી એક ખુશખબરી મળી કે તેમના ઘરે એક દીકરાનો જન્મ થયો છે અને મનોમન તેમણે નક્કી કરી દીધુ કે તેઓ તેમના દિકરાને ભણાવી ગણાવીને ખૂબ જ સારી નોકરી અપાવશે પરંતુ તેમણે જ્યારે તેમના દીકરાને ભણવા માટે મૂક્યો ત્યારે તેમને ખબર પડી કે તેમનો દીકરો ભણવા માં ખુબ જ નબળો છે. સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ તેને મંદબુદ્ધિ કહીને બોલાવતા હતા.
             એવામાં જ એમના મહોલ્લામાં એક બનાવ બન્યો બાજુના જંગલમાંથી એક હડકાયુ વરુ મહોલ્લાના 8 એક માણસને કરડ્યું જેમાં પાંચ માણસો હડકવાના રોગનો શિકાર બની ગયા અને થોડા જ દિવસોમાં ખૂબ જ પીડા ભોગવી મૃત્યુ પામ્યા. નાનો લૂઈસ તેના પિતાને પૂછતો હતો કે શા માટે આપણે તેઓને બચાવી ન શક્યા! ત્યારે તેના પિતાએ ગુસ્સે થઈને તેને કહ્યું કે શા માટે તું ભણી ગણીને એમને બચાવવા માટેની દવા નથી શોધી શકતો? તને એટલી ચિંતા હોય તો તું ભણી ગણીને આવા વ્યક્તિઓને બચવવા માટેની દવા શોધ. આ વાતની નાના લૂઈ ના મન પર ખૂબ જ મોટી અસર થઇ અને તેને થયું કે ભણવા ગણવા થી લોકોના જીવ બચાવી શકાય છે. તેથી તેણે ભણવામાં મન લગાવવાનું ચાલુ કર્યું અને ભણી ગણીને તે વધુ અભ્યાસ માટે શહેર ગયો. ત્યાં તેમણે બાયોલોજી નો અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું.
              અભ્યાસની સાથે સાથે તેમના પ્રયોગ કરવાનું પણ ચાલુ જ હતુ. તેવામાં તેમના એક મિત્રે તેમને કહ્યું કે, તેની પોલ્ટ્રી ફાર્મમાં મરઘીઓ હેજા જેવા રોગને કારણે મૃત્યુ પામી રહી છે ત્યારે લુઇએ એક મરઘી કે જે આ રોગને કારણે મૃત્યુ પામી હતી તેનુ લોહી લઇ તેમાંથી હેજાના જીવાણુને અલગ કર્યા અને તેને નમક સાથે મિક્સ કરીને નિષ્ક્રિય કરી દીધા. આ રીતે નિષ્ક્રિય કરેલા જંતુઓને તેમણે સ્વસ્થ મરઘીઓ કે જેમને કોઈ પણ પ્રકારનો રોગ ન હતો તેમાં દાખલ કર્યા અને પછી ખૂબ જ સારા પરિણામ જોવા મળ્યા . અન્ય મરઘીઓ ની સરખામણીમાં નિષ્ક્રિય જીવાણુ દાખલ કરેલ મરઘીઓ ખૂબ જ સ્વસ્થ રહેતી હતી . અને તેમને જિંદગીભર કોઈપણ રોગ ન થયો ત્યારબાદ તેમણે જાણ્યું કે દૂધની અંદર રહેલા જીવાણુઓ દૂધને વાસી બનાવવાનું કામ કરે છે . તે તેમણે ગરમ દૂધ કરીને દૂધની અંદર રહેલા જીવાણુને મારી નાખ્યા અને ત્યારબાદ ઠંડું કર્યું તેનાથી દૂધ થોડું જલ્દી વાસી થતું ન હતું. આ રીતે ખાદ્ય પદાર્થોમાં રહેલા જીવાણુઓ શોધવાનું કામ લૂઈએ સૌપ્રથમ કર્યું હતું. 
            લૂઈએ તેની શોધ આગળ વધારી અને વિચાર્યું કે નક્કી છે કે માણસના શરીરમાં પણ આવા કોઈ જીવાણુઓ હોવા જોઈએ કે જે માણસના બીમાર પડવા માટે કારણ હોઈ શકે છે. પછી તેમણે તેમનુ બચપણ નું સપનું હડકવા ની દવા શોધવાનું આ પરથી નક્કી કર્યું. લુઇસ પાશ્ચર તે પછી રાત દિવસ હડકાયેલા કૂતરાને શોધવામાં લાગી પડયા અને પોતાના જીવની પરવા કર્યા વગર તેમને કોઈપણ  હડકાયું કૂતરું મળે તો તેને પકડી લાવતા હતા અને તેના પર પ્રયોગો કરવાનું ચાલુ રાખ્યું. તેમણે હડકાયેલા કૂતરાની અંદરથી હડકવાના વાયરસ નો નમુનો લઈને આ વાયરસને નિષ્ક્રિય કર્યા. નિષ્ક્રિય વાયરસને તેમણે ઇન્જેક્શન વડે સ્વસ્થ કુતરાના શરીરમાં નાખ્યા. ત્યારબાદ તેમણે આ કૂતરાના શરીરમાં સક્રિય હડકવાના વાયરસ પર નાખ્યા અને ખૂબ જ નવાઇની વાત એ હતી કે આ કૂતરાને હડકવા થયો ન હતો અને કૂતરો એકદમ સ્વસ્થ રહ્યો હતો. એ વાત જાણીને લૂઈને ખૂબ જ આનંદ થયો પરંતુ માણસો પર પ્રયોગ કરવાનો હજી બાકી હતો. અને માણસો પર પ્રયોગ સફળ થશે કે કેમ એ ચિંતાની વાત હતી. 
        એટલામાં જ એક સ્ત્રી કે જેના બાળકને હડકાયું કૂતરું કરડ્યું હતું , તેના ઈલાજ માટે લુઇસને તે કાલાવાલા કરી રહી હતી.લૂઈને થયુ કે જો બાળકને તેમણે બનાવેલી રસીનુ ઈન્જેકશન આપવામાં ન આવે તો બાળક થોડા દિવસમાં મૃત્યુ પામશે . તેથી તેમણે જોખમ લેવાનું નક્કી કર્યું અને બાળકને ખૂબ જ નાનો દોઝ ઇન્જેક્શન આપવામાં આવ્યું જેની બાળક ઉપર સારી અસર જોવા મળી અને બાળક ધીમે ધીમે સારું થવા લાગ્યું. ત્યારબાદ તેમણે ડોઝ નું પ્રમાણ વધાર્યું અને બાળક એકદમ સ્વસ્થ થઈ ગયો. બાળક ને તેના જીવનમાં ક્યારેય હડકવા ન થયો અને આ રીતે હડકવાની રસીની શોધ થઈ .
         પહેલાના જમાનામાં હડકવાને કારણે લાખો લોકો મૃત્યુ પામ્યા હતા પરંતુ આ રસી બધા માટે સંજીવની સાબિત થઈ. ત્યારબાદ ઘણા બધા વૈજ્ઞાનિકોએ બીજા અનેક રોગોની રસી ની શોધ આ રીતે કરી અને આજે આપણે જોઈએ છીએ કે ભયંકર રોગોમાં રોગોની રસી ની શોધ ને કારણે આપણે બધા સ્વસ્થ જીવન જીવી શકીએ છે.  ભગવાન કરે કે કોરોનાની રસી ની શોધ પણ લૂઈ ની જેમ કોઈક વૈજ્ઞાનિક કરી દે .લૂઈ રસીની શોધને કારણે પોતાના પારિવારિક જીવન સુખમય રીતે વીતાવી શકયા નહીં, તેમની ત્રણેય દીકરીઓ બ્રેન ટ્યુમર અને ટાઈફોડ જેવા રોગને કારણે મૃત્યુ પામી. તેમજ તેમની પત્ની પણ પતિ કામમાં વ્યસ્ત રહેતા હોવાને કારણે એકાંતમાં માનસિક અવસ્થા ખરાબ કરી બેઠી હતી અને પરંતુ લૂઈએ તેના પરિવાર  કરતા પોતાના સમાજ કલ્યાણના કામને વધુ મહત્વ અને તેને કારણે આજે આપણે સૌ સ્વસ્થ જીવન જીવી શકીએ છે. લુઇસ પાશ્ચરને મારા કોટી કોટી વંદન.

Tuesday, March 24, 2020

હંતા વાયરસ વિશે જાણો..

       મિત્રો હાલમાં તમે ન્યુઝ ચેનલ ઉપર એક નવા વાયરસ વિશે સાંભળ્યો જ હશે આ વાયરસ ચીનમાં યુનાન પ્રાંતમાં એક વ્યક્તિના મોત નું કારણ બને છે. આ વાયરસ નું નામ છે હંતા વાયરસ. આ વાયરસ શું છે? ક્યાંથી આવ્યો અને કેવી રીતે તેનો ચેપ લાગે છે વગેરે વિશેની જાણકારી આ લેખમાં તમને મળી રહેશે.

        હંતા વાયરસ એ ઉંદરોના મળ મૂત્ર જેવા ઉત્સર્ગ દ્રવ્યો માં રહેતા હોય છે પરંતુ ઉંદરોને બીમાર કરતા નથી. ઉંદરોના ઉત્સર્ગદ્રવ્યોના સંપર્કમાં આવવાથી માણસોની અંદર આ રોગ થતો જોવા મળે છે. આ રોગથી બચવા માટે ઘરમાંં ઉંદરોની અવર-જવર અટકાવવી. એવું ખૂબ જ ઓછું જોવા મળ્યું છે કે આ વાયરસનો ફેલાવો એક માણસથી બીજા માણસમાં થતો હોય. એટલે કે આ વાયરસ કોરોના જેવો ઝડપી અને ખતરનાક નથી. કોરોના ની જેમ આ વાઇરસ પણ માણસના શ્વસનતંત્ર પણ અસર કરે છે. આ રોગથી બચવા સમયસર ઈલાજ કરાવવો જરૂરી છે.
       આ વાયરસ થી થતા રોગ ના લક્ષણો માં તમને માથાનો દુખાવો,તાવ,ડાયરિયા તેમજ શ્વસનમાં તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ વાયરસની હજી સુધી કોઈ રસી શોધવામાં આવી નથી. સમયસર ઈલાજ માત્ર તેનો ઉપાય છે. સમયસર ઈલાજના કરવાથી ન્યુમોનિયા થઇ જાય છે અને અંતે મોતનું કારણ બને છે.

Lockdown દરમિયાન સમય પસાર કરવા માટેની પ્રવૃતિઓ

      મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલ રાતથી ગુજરાત રાજ્યમાં તારીખ 31 માર્ચ સુધી lockdown જાહેર કરેલ છે. અને કોઈપણ વ્યક્તિને અનિવાર્ય સંજોગો સિવાય બહાર
નીકળવાની પરવાનગી નથી. તો આપણે સૌએ પોતાના ઘરમાં જ રહીને આપણા ઘરને સલામત રાખવા માટે પ્રયત્નશીલ રહેવાનું છે. આમ, કરવાથી જ આપણે સૌ કોરોના સામેની જંગ જીતી શકીએ તેમ છે. તો આ સમયને કેવી રીતે પસાર કરવું? આ સમયે એવી તો કઈ પ્રવૃત્તિઓ કરવી જેથી કરીને આપણને કંટાળો ન આવે? તેમજ પ્રવૃત્તિઓ આપણને ઉપયોગી નીવડે અને જ્ઞાનમાં પણ અભિવૃદ્ધિ થાય. તો તેના માટે કેટલીક જરૂરી પ્રવૃત્તિઓ નીચે મુજબ છે. આશા રાખું છું કે આપ સૌને એ કામ લાગશે.

1. આપણે સૌ કાયમ ફરિયાદ કરીએ છીએ કે કામના સ્થળે આપણને સમય જ નથી. મળતો જેથી કરીને આપણે કોઈ પુસ્તક વાંચન કરી શકતા નથી. સૌ પ્રથમ તો આપણા ઘરમાં પડેલા પુસ્તકો શોધીએ, અને ઘરમાં એક સરસ મજાના પુસ્તકાલય નું નિર્માણ કરીએ. તમે જોયું હશે કે વકીલો તેમજ મંત્રીશ્રીઓ ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યૂ દરમિયાન તેમના ઘરના  પુસ્તકાલયના બેકગ્રાઉન્ડ સાથે ઈન્ટરવ્યૂ આપતા હોય છે. આપણે પણ એવા ઘણા પુસ્તકો નું એક પુસ્તકાલય ઘરમાં બનાવીએ અને આ સમય દરમિયાન તે પુસ્તકોનું વાંચન કરીને જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરીએ ,જે આપણને ખૂબ જ ઉપયોગી થશે. ઘરમાં પુસ્તકો ઉપલબ્ધ ના હોય તો હવે તો મોબાઈલ માંથી પણ ડાઉનલોડ કરીને પુસ્તકોનું વાંચન કરી શકીએ છે. આપણે વાંચેલ પુસ્તકોની યાદી બનાવીએ.

2. ઘરની વ્યવસ્થિત સફાઈ
મોટેભાગે આપણે દિવાળી હોય ત્યારે ઘરની સફાઈ કરીએ છીએ .પરંતુ હાલના સમયમાં સાફ-સફાઈ જાળવવી ખૂબ જ જરૂરી છે .જેથી કરીને બીમારીથી બચી શકાય માટે આપણા ઘરને વ્યવસ્થિત રીતે સાફ કરીએ તેમજ ઘરની ચીજવસ્તુઓ ની યોગ્ય ગોઠવણ કરીને ઘરની સુંદરતામાં પણ વધારો કરી શકીએ છીએ. ઘરની નાની નાની વસ્તુઓ જેને રોજેરોજ સફાઈ શક્ય નથી તેને શોધી ત્યાં પણ સફાઈ કરીને ઘરને ચોખ્ખું ચણાક બનાવી શકીએ છીએ.

3. હાસ્ય માટે youtube વિડીયો જોવા.
નિષ્ણાંતોનું કહેવું છે કે પ્રસન્ન રહેવાથી  આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે તેથી મોબાઈલમાં યૂ ટ્યૂબ પર હાસ્ય કાર્યક્રમો તેમજ આ વિડીયો જોવાથી આપણને પ્રસન્ન રહેવાનો હસતા રહેવાનું મોકો મળશે અને સાંભળેલ હાસ્ય પ્રસંગો બીજાને હસાવવા માટે પણ કામ લાગશે.

4. વીડિયો કોલિંગ
જરૂરી નથી કે મિત્રોને મળવા થી જ વાતચીત થાય અને સંબંધો જળવાઈ રહે પરંતુ હાલના સમયે વીડિયો કોલિંગ વડે તેમજ કોન્ફરન્સ કોલ દ્વારા એકથી વધુ મિત્રો સાથે તમે મળી શકો છો.અને આ રીતે વિડીયોકોલ થી તમે સંક્રમિત થવાથી પણ બચી શકો છો.

5. પ્રેરક પ્રસંગો  સાંભળવા.
જીવનમાં આગળ વધવા માટે પ્રેરણાની ખૂબ જ જરૂર હોય છે. આવા સમયે આપણે હિંમત રાખવા માટે તેમજ સફળ બનવા માટે સફળ વ્યક્તિઓના જીવનની કથાઓ સાંભળીએ અને કેટલાક વ્યક્તિઓના પ્રેરણાદાયી ઉદબોધન સાંભળીએ. જે આપણને કોઈપણ કપરી પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે જરૂરી પીઠબળ પૂરું પાડશે.

6. યોગાસનો અને પ્રાણાયામ
યોગાસન અને પ્રાણાયામ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ મહત્વના છે. શાળાઓમાં હવે દરેક બાળકો અને શિક્ષકો યોગ ક્રિયાઓ કરે છે. પરંતુ તેને એટલો બધો ન્યાય આપી શકાતો નથી. ઘરે આપણને હવે પૂરતો સમય મળ્યો છે ત્યારે આપણે યોગાસનો અને પ્રાણાયામનો પૂરતો મહાવરો કરીને શરીરને સ્વસ્થ રાખી શકીએ છે .તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારીને કોરોના ને માત આપી શકીએ છીએ.

7. અંગ્રેજી બોલતા શીખવું
તમને અંગ્રેજી બોલતા આવડે છે તો તે ખૂબ જ સારી વાત છે પરંતુ અંગ્રેજી જેને બોલતા નથી આવડતું તેવા વ્યક્તિઓ હંમેશા ઇચ્છા રાખતા હોય છે કે તેને પણ અંગ્રેજી બોલતા આવડે તો આવા સમયે તમે અંગ્રેજી ભાષા બોલવાની પ્રેક્ટિસ કરી શકો છો youtube ઉપર ઘણા બધા વિડીયો પ્રાપ્ત છે કે જ્યાં તમને અંગ્રેજી ભાષા બોલવાની સમજ અને મહાવરો મળી રહેશે. અંગ્રેજી ભાષા બોલવાથી તમારા કાર્યક્ષેત્રમાં તમારી અલગ છાપ ઊભી થશે .

8. અવનવી વાનગીઓ, રસોઈ બનાવતા શીખવું.
ખાવાના શોખીન માટે ખૂબ જ સારો સમય છે કે તેઓ અવનવી વાનગીઓ બનાવતા શીખે તેમજ પોતાની મનપસંદ વાનગી નો આનંદ ઉઠાવી શકે છે આ માટે ઇન્ટરનેટ પર ઘણી બધી વાનગીઓની રેસીપી મળી રહેશે.

9. ઈલેક્ટ્રીક ચીજવસ્તુઓ અને મરામત તેમજ વાહનોની કાળજી
આપણા ઘરમાં ઘણી કીમતી ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ ઉપલબ્ધ હોય છે. જેમ કે ટીવી, ફ્રિજ, એસી ,કમ્પ્યુટર, પંખા વગેરે ચીજવસ્તુઓની સફાઈ તેમજ તેમની સારસંભાળ આ સમયે લઈ શકાય છે તદુપરાંત આપણા વાહનોની સફાઈ તેમાં આવેલી નાની મોટી ખામીઓ જે આપણે પોતે પણ રીપેર કરી શકતા હોય તો આવા સમયે આપણે તે કરવું જોઈએ.

10. બાળકો સાથે સમય પસાર કરવો.
આપણા ઘરના બાળકો અત્યારે ઘરે જ છે હાલ એવો સમય છે કે પરિવારના બધા સભ્યો ને એકસાથે ભેગા મળીને સાથે રહેવાનો મોકો મળ્યો છે તો આવા સમયે બાળકો સાથે ઇન્ડોર રમતો રમવી જોઈએ ઇન્ડોર રમતો માં ખાસ કરીને ચેસ, કેરમ, સાપસીડી, અંતાક્ષરી વગેરે રમીને સમય પસાર કરી શકાય છે અને બાળકોને પણ ખુશ રાખી શકાય છે.

11. તમને મનપસંદ મૂવી જોવું.
હાલ જે સમય છે તે દરમિયાન આપણે આપણું મનગમતું મુવી ટીવી ઉપર જોઈ શકે છે ઘણા બધા નવા મુવી આપણને youtube ચેનલ પર પણ મળી જશે આપણે આ મૂવી જોઇને આપણો સમય પસાર કરી શકીએ છીએ.
આ ઉપરાંત તમારા મનમાં કોઈ પ્રવૃત્તિ હોય કે જે કરી શકાય તેમ હોય તો જણાવવા વિનંતી.

Sunday, March 22, 2020

જાણો ક્યાં ઉડ્યા કોરોના અંગેની વડાપ્રધાન ની સૂચના ના ધજાગરા?

  આ લોકોએ વડા પ્રધાનની અપીલને ગંભીરતાથી લીધી નથી.
સૌજન્ય સંદેશ ન્યુઝ ચેનલ
         આપણે સહુ જાણીએ છે કે કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી આખા વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. અને આપણા ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં પણ તેણે ખુબ જ ટૂંકા સમયમાં પગપેસારો કરી દીધો છે. આખા ભારત દેશમાં તારીખ 22 /3 /2020 સુધીમાં પોઝિટિવ કેસનો આંકડો ૩૪૫ થઈ ગયો છે અને મૃત્યુ આંક 7 થઈ ગયો છે.
સૌજન્ય સંદેશ ન્યુઝ ચેનલ
            તેને ધ્યાનમાં લઈ આપણે સૌએ આપણા પરિવાર સાથે સલામત રહેવા માટે ઘરમાં જ રહેવું યોગ્ય ગણાય અને તે માટે આપણી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર પણ વારંવાર સૂચના આપી રહી છે. ગઈકાલે પ્રશાસન દ્વારા તેમજ માનનીય વડાપ્રધાન મોદી દ્વારા આજરોજ જનતા કરફ્યુ રાખી કોરોના નો સામનો કરવાની વાત હતી. જેમાં દેશના તમામ લોકો જોડાયા હતા અને બધા પોતાના ઘરોમાં રહીને જનતા કરફ્યુ ને સફળ બનાવ્યો હતો. સાંજે પાંચ વાગ્યે પોતાની ગેલેરીમાં અથવા દરવાજા પર ઊભા રહીને સૌએ તાળીઓ વગાડીને અને થાળી વેલણ વગાડીને જનતા કરફ્યુ ના દિવસે સેવા આપનાર પોલીસ કર્મીઓ સ્વયંસેવકો નો આભાર માનવાનો હતો. પરંતુ કેટલાક લોકો કોરોના અંગે હજી પણ જાગૃત ના હોય તેવી રીતે વર્તી રહ્યા હતા. તેઓ સમૂહમાં ભેગા થઈ થાળી વેલણ ઢોલ વગેરે લઈ રેલી કાઢી હતી. અને વડાપ્રધાનની સુચનાઓનો છડેચોક ભંગ કર્યો હતો. જે બાબત ખૂબ જ નિંદનીય છે કોરોના રોગની ગંભીરતાને ધ્યાને લઇ આપણે સૌએ આવી બેદરકારી દાખવવી ન જોઈએ તેમજ સમૂહમાં ભેગા થવાનું ટાળવું જોઈએ. જાણો, કઈ જગ્યાએ આ પ્રકારની નિષ્કાળજી જોવા મળી? જોવા માટે  ઇમેજ પર ક્લિક કરો
તસવીર સૌજન્ય સંદેશ ન્યુઝ ચેનલ